About Us

પરિચય

સિધ્ધરુદ્ર બ્રહ્મ સમાજ

સિધ્ધરુદ્ર બ્રાહ્મણો યજુર્વેદ શાખાની બે શાખાઓમાંની માધ્યન્દિન વાજસનેયી શાખાના બ્રાહ્મણો છે. આગળના સમયમાં આ સમાજનો મુખ્ય વિષય અને વ્યવસાય યજ્ઞિય કાર્ય, ઉપાસના અને સમાજના શુભ પ્રસંગોએ કર્મકાંડ વિધીઓ કરાવવાનો જ રહ્યો હશે. આજે સંજોગો બદલાયા હોવા છતાં ઘણા મહોદયો આ કાર્ય સાથે જોડાયેલા છે. મોટો વર્ગ પોતાની પાસે સારી એવી જમીન હોવાથી ખેતી કાર્યનો સ્વિકાર કરેલ છે. જેઓ સમય કાળે પટેલ તરીકે ઓળખાવા લાગ્યા.

સિધ્ધરુદ્ર બ્રહ્મ સમાજનું આગમન અને સ્થિર થવું માર્કન્ડેય મુનિ લિખિત શ્રી વાયુ સુક્ત શિવસંહિતા નર્મદા માહાત્મય અધ્યાય ૩૩૩ થી ૩૩૫ માં જણાવ્યા મુજબ શ્રી મહેશ્ર્વર મહાદેવને બ્રહ્મ હત્યાનું પાપ લાગવાથી તેના નિવારણ માટે પૃથ્વી પર ફરતા ફરતા નર્મદા નદીના દક્ષિણ તટે (કિનારે) વર્ધમાનપુર (સજોદ) આવ્યા. અહીંયા શ્રી મહેશ્ર્વરે કઠીન તપશ્ર્ચર્યા અને પાપનું પ્રાયશ્ર્ચિત કર્યું. અહીંયા સર્વદેવો અને મુનિઓ પણ આવ્યા. એક ખાડો ખોદી સર્વે તીર્થો અને નદીઓનું આવહન કર્યું. આ ખાડામાં મહેશ્ર્વરને પૂજન અને સ્નાન કરાવી પાપ મુક્ત કર્યા. તે ખાડો રુદ્ર કુંડ તરીકે પ્રસિદ્ધ થયો. ત્યાં સિધ્ધેશ્ર્વરી સહિત સિધ્ધેશ્ર્વર મહાદેવનું સ્થાપન કર્યું.

સમય કાળે સિધ્ધેશ્ર્વરી દેવીની ઈચ્છાથી સિધ્ધેશ્ર્વર મહાદેવે મહાયજ્ઞ કરવાનો સંકલ્પ કર્યો. આ કાર્ય માટે વિદ્વાન બ્રાહ્મણોની મોટા પ્રમાણમાં જરૂર પડવાથી, આ ક્ષેત્રમાં એ પ્રાપ્ત ન હોવાથી, ગંગા-યમૂના ના મધ્ય ભાગમાં આવેલ આંતરવેદી પ્રદેશમાં વસતા બ્રાહ્મણોને આમંત્રિત કર્યા અને યજ્ઞિય કાર્ય પૂર્ણ કર્યું. યજ્ઞની પૂર્ણાહુતીને અંતે અવભૃથ સ્નાન સાથે આપવામાં આવતી દક્ષિણાનો કેટલાક બ્રાહ્મણોએ સ્વીકાર કર્યો અને કેટલાકે દક્ષિણા ન લેવાનો સંકલ્પ જાહેર કર્યો. જેથી દક્ષિણા ન લેનાર બ્રાહ્મણોના નિભાવ, ભરણપોષણની જવાબદારી લીંગ પૂજક વણીકોને સોંપવામાં આવી. બીજાના સહાયનો પણ અસ્વિકાર કરતા એમની અયાચક વૃત્તિ અને શ્રમ વૃત્તિનો આદર કરી એમને ચારસો ચોવીસ ગામોમાં કાયમી જમીન આપી સત્કાર કરવામાં આવ્યો. જેઓ આજે પણ ખેતી કાર્ય સાથે સંકળાયેલા છે. લીંગાયત વણિકો પાછળથી કર્ણાટક પ્રદેશમાં ચાલ્યા ગયા. અગાઉના સમયમાં ભૃગુપુર (ભરૂચ) એક વેપારી બંદર તરીકે પ્રસિદ્ધ હતું જેથી આ લિંગાયત વણિકો વ્યાપાર માટે આવ્યા હશે એમ ચોક્કસ અનુમાન થઈ શકે. આજે તો આંધ્રપ્રદેશ માં લિંગાયત સમાજની સારી એવી વસ્તી છે. એ વિષે આપણ સૌને જાણકારી છે જ !

માર્કન્ડેય નર્મદા પુરાણ મુજબ નર્મદા તટે ભૃગુ કચ્છ (ભરૂચ) થી દક્ષિણે અંકુરેશ્ર્વર (અંક્લેશ્ર્વર) આવેલ છે. ત્યાંથી ત્રણ કોષ પર સિધ્ધેશ્ર્વર તિર્થ (સજોદ) આવેલ છે. સિધ્ધેશ્ર્વર મંદીર ની ઉત્તર બાજુ પર રુદ્ર કુંડ આવેલ છે. તથા મયુરેશ્ર્વર મહાદેવ મંદિર (મોરેશ્ર્વર) આવેલ છે. દક્ષિણે કાનેશ્ર્વર મહાદેવ (કાનવા) તથા શ્રી રામ ભ્રાતા ભરત દ્વારા ચંદ્રવંશી બ્રાહ્મણોના સહયોગ વડે સ્થાપેલ ભરતેશ્ર્વર મહાદેવ (ભરુડેશ્ર્વર મહાદેવ) નું મંદીર જ્યાં બરબડીયો કુંડ પણ આવેલ છે. સિધ્ધેશ્ર્વર મહાદેવ મંદીર થી પૂર્વમાં નાગશજ્ઞિંક (નાંગલ) જ્યાં કપાલેશ્ર્વર મહાદેવનું મંદીર છે. જ્યાં પુરાણ કાળમાં મહાયજ્ઞ કરવામાં આવ્યો હતો ત્યાં એક ટીંબામાંથી આજે પણ ભસ્મ નિકળે છે. જે આસ્થા ધરાવનાર અંગે ભસ્મ ભભુતિ કરવા માટે લઈ જાય છે. આ તમામ સ્થળો અંતર અને દિશાઓ મળતી આવતી હોવાથી નર્મદા માહત્મયમાં દર્શાવેલ હકીકતોનો આધાર મળે છે. એટલે જ સિધ્ધરુદ્ર બ્રાહ્મણોનું આમંત્રણથી આવવું અને યજ્ઞ કાર્ય પૂર્ણ થતા આજ સ્થળે સ્થિર થઈ આજુ બાજુના વિસ્તારમાં ફેલાવું એ વિશ્ર્વસનીય હકીકતો છે જ એમ સ્વીકારી શકાય.

આ સમાજના જેઓ ખેતીવાડી ઉપર આધાર રાખનાર અને સમૃદ્ધિવાળા વ્યક્તિઓ અંગ્રેજ શાસનકાળમાં પોલીસ પટેલ તરીકેની જવાબદારી સંભાળવા લાગ્યા હશે. તે સમયે ગામના પોલીસ પટેલ અને મુખી ગામની એક મોભાદાર વ્યક્તિ ગણાતી. ગ્રામજનો પણ એમને ‘પટેલ’ તરીકે જ સંબોધન કરતા. જેથી આ સમાજના બ્રાહ્મણોમાં લખાતી અટક જોષી, ભટ્ટ, શાસ્ત્રી, પંડ્યા, શુક્લ વિગેરેની જગ્યાએ પટેલ તરીકે જેઓ જવાબદારી સંભાળતા હશે તેઓ ‘પટેલ’ તરીકે અટક લખવા અને ઓળખાવા લાગ્યા. આ સમાજમાં આજે પણ ઉપર જણાવેલ બ્રાહ્મણ અટક ધરાવે છે. બીજા બ્રહ્મ સમાજમાં ઔદિચ્ય, જાંબુવાન અને નાગર બ્રાહ્મણોમાં પણ પટેલ અટક લખાય છે.

સિધ્ધરુદ્ર બ્રહ્મ સમાજની વસ્તી અગાઉના સમયમાં તેરસો (૧૩૦૦) કુટુંબની હતી અને કાવિ-કંબોઈ થી તાપી તટે રાંદેર સુધી વિસ્તાર પામેલ હતી. કાળે કરી નિ:સંતાન પણા, પ્લેગ જેવા દુર્ગમ્ય રોગો અને બાળ વિધવા જેવા કારણોથી સમાજની ત્રણસો (૩૦૦) કુટુંબ સુધી ઓછી થઈ અને વસવાટ પણ ખાસ કરીને ભરૂચ જીલ્લા પુરતો મર્યાદીત રહ્યો.

આજના સમયે આ સમાજ ત્રણસો કુટુંબ થી વિસ્તાર પામી એક હજાર (૧૦૦૦) કુટુંબનો થયો છે. આધુનિક શિક્ષણનો વ્યાપ પણ સારા પ્રમાણમાં થયો છે. આજના સમયનો સ્વિકાર કરી આજના યુવાન ભાઈઓ નોકરી-ધંધા અર્થે ગુજરાતના અન્ય શહેરો અને પરદેશમાં પણ સારા પ્રમાણમાં વિસ્તાર પામ્યા છે.

આ બ્રહ્મ સમાજ સ્વઉપાર્જીત અન્ન વડે મન ઘડી, બ્રહ્મ સંબંધી, આત્મા પરમાત્મા વિષે ચિંતન કરનાર, અનંતોની સેવા કરનાર, સ્વ કર્તવ્યમાં વિચલિત ન બનીએ અને બ્રહ્મત્વ સમજવા સક્ષમ બનીએ એવી ચૈતન્ય શક્તિનું અમારામાં અવતરણ થાઓ એવી અમારા અંતરની પ્રાર્થના.

પરિવર્તન

સિધ્ધરુદ્ર બ્રહ્મ સમાજ વીસમી સદી અને આજના સમયમાં

સિધ્ધરુદ્ર બ્રહ્મ સમાજનો વીસમી સદીનાં આગળનો પ્રાપ્ત ઈતિહાસ આગળ જણાવ્યો છે. જે કેટલાક પૂરાણોનાં પ્રસિધ્ધ લખાણો અને લૌકીક વાયકાઓનો આધાર લઈ જણાવ્યો છે.

આ સમાજનો વીસમી સદીનો ઈતિહાસ ચોક્કસ દસ્તાવેજી પુરાવા સાથે કહી શકાય છે. આ સમાજમાં આજની આધુનિક કેળવણી માધ્યમિક અને સ્નાતક કક્ષાની ઓગણીસમી સદીના ઉત્તરાર્ધ થી અને વીસમી સદીની શરૂઆતથી જ શરૂ થઈ. કેટલાક તેજસ્વી મહોદયોએ કેળવણી પ્રાપ્ત કરી અને સમાજમાં પણ રુઢીચુસ્ત અને સંકુચિતતા માંથી સમાજને મુકત કરાવાની ઝુંબેશ શરૂ કરી.

આ માટે તા : ૦૯/૦૫/૧૯૩૩ નાં રોજ સિધ્ધરુદ્ર જ્ઞાતિનાં દરેક ગામનાં પ્રતિનિધિની સભા રોઝા ટંકારીયા ગામે બોલવવામાં આવી. જેમાં તે સમયનાં કુરિવાજો હશે તેમાં સુધારા કરવા કેટલાક ઠરાવો કરવામાં આવ્યા.

ઠરાવ :

૧.         લગ્ન માં કન્યા વિક્રય દુર કરવો અને તે અંગેના નિતી નિયમો નક્કી કર્યા.

૨.         લગ્ન પ્રસંગે પોતાના ત્યાં અને કન્યાને માંડવે બેન્ડવાજા લાવવાનો રીવાજ બંધ કરવો.

૩.         લગ્ન પ્રસંગે મંડપમાં રામજની (ડાન્સર) લાવવાનો રીવાજ બંધ કરવો.

૪.         લગ્ન પ્રસંગે દારૂખાનું ફોડવા પર પ્રતિબંધ

૫.         સીમન્ત સમયે જરૂરી વિધિ સિવાય જમણવાર વગેરે ખર્ચ બંધ કરવો.

૬.         મરણ સમયનાં તેરમાં સિવાયનાં વ્યવહારિક ખર્ચ બંધ કરવા

૭.         જ્ઞાતિનાં દરેક ભાઈઓએ કન્યાનું લગ્ન તેર વર્ષના ઉંમર પહેલા કરવું નહી. (મુંબઈ રાજયના શારદા એકટ પસાર થયા પહેલાનાં દસ વર્ષ અગાઉનો ઠરાવ છે) કોઇ ખાસ સંજોગો સિવાય મોટી ઉંમરનાં પુરુષ સાથે કન્યાના લગ્ન કરવા નહી.

ત્યાર પછીની બે સાધારણ સભામાં ઉપર મુજબના ઠરાવો તો અમલ માટે જે તે નિયમોના પાલન કરાવવા માટેના જ ઠરાવો થયા છે ત્યાર પછી જે તે કારણોસર આ મંડળ બંધ કરવામાં આવ્યુ કે ચાલુ રહ્યુ તે અંગે કોઇ આધાર મળતો નથી.

આ મંડળના પ્રમુખ અને મંત્રીઓ નીચે મુજબ હતા.

પ્રમુખ મંત્રીઓ
હરીવલ્લભ નાથાભાઈ   કનગામ જગન્નાથ આત્મારામ શર્મા આમોદ
કાશીરામ ભગવાનભાઈ માટીયેડ દીનમણીશંકર પ્રાણશંકર આમોદ
ભોગીલાલ કરૂણારામ નવેઠા જગન્નાથ આત્મારામ આમોદ
હરીલાલ પ્રાણજીવન ભટ્ટ વઘવાણ

ઉપરોકત પહેલી સભામાં કરેલ ઠરાવો જોતાં આજથી ૮૫-૯૦ વર્ષ પહેલા પણ સમાજને વ્યવસ્થિત કરવાની કેટલી ઉત્કટ તમન્ના અને ભાવના જણાય આવે છે. માનવી વિકાસ માટે સર્જાયો છે અને વિકાસ માટે ઝંખી રહ્યો છે. એનું આપ્રમાણ છે.

વર્તમાન

આજ ની તારીખે ચાલુ સમાજ બંધારણ

સને ૧૯૫૯ ના મે-જુન માસમાં સ્વ. જ્શવંતભાઈ હરીલાલ ભટ્ટે (રાયમા) તથા જાગૃત યુવાન ભાઈઓ તથા જાગૃત વડીલોએ સિધ્ધરુદ્ર બ્રહસમાજના યુવાભાઈઓ તથા વડીલોને તા : ૦૭/૦૬/૧૯૫૯ નાં રોજ ઉત્રાજ મુકામે એકત્રીત થઈ સમાજનાં કાર્ય માટે મંડળની રચના કરવા આમંત્રિત કર્યા.

તેમના આમંત્રણને માન આપી સમાજના બધુંઓ ઉત્રાજ મુકામે એકત્રીત થયા. અને સિધ્ધરુદ્ર જ્ઞાતિ કેળવણી મંડળની રચના કરવામાં આવી. જેમાં પ્રમુખ તરીકે સ્વ.ઉત્તમરામ રતનજી પટેલ (વકીલ) અંકલેશ્ર્વર ની નિમણૂંક કરી. તેમને આ જ્ઞાતિ માટે બંધારણ તૈયાર કરવાની જવાબદારી સોંપવામાં આવી. તેમણે સમાજના ઉત્સાહી યુવાનો અને વડીલોનો સહયોગ લઈ જ્ઞાતિ સમાજના મંડળનું બંધારણ તૈયાર કર્યું, તા : ૦૨/૦૩/૧૯૬૦ નાં રોજ સમાજની ખાસ સાધારણ સભા બોલાવી, સિધ્ધરુદ્ર જ્ઞાતિ કેળવણી મંડળનું બંધારણ રજુ કર્યું. જે તે સભાએ સર્વે સમંતિથી મંજુરી આપી, ત્યારથી આ બંધારણ અમલમાં આવ્યું. આપણું આ બંધારણ તા : ૦૨/૦૩/૧૯૬૦ થી તા : ૨૮/૦૧/૧૯૯૬ સુધી ચાલુ રહ્યું.

ઘણા સમયથી સમાજમાં આ મંડળને રજીસ્ટર કરવાની માંગ થતા આપણું સિધ્ધરુદ્ર જ્ઞાતિ કેળવણી મંડળને સરકારશ્રીનાં નિયમો અવરોધ રૂપ આવતા. મંડળને ચેરીટી કમીશ્નરનાં ધારા ધોરણોને અનુરૂપ ફેરફાર કરવાની ફરજ પડી. ખાસ કરી જ્ઞાતિ શબ્દ અવરોધ રૂપ હતો. જેથી ૧૯૯૫ માં નવુ બંધારણ તૈયાર કરી સમાજ બંધુઓની મંજુરી માટે અમલેશ્ર્વર મુકામે ખાસ સાધારણ સભા બોલાવી અત્યારનું આપણું સિધ્ધરુદ્ર બ્રહ્યસમાજ કેળવણી મંડળ નામ નીચે સભામાં સર્વાનુંમતે મંજુર કરવામાં આવ્યુ. તા : ૨૮/૦૧/૧૯૯૬ ના રોજ ચેરીટી કમિશ્નરશ્રી ભરૂચ માં રજીસ્ટર્ડ કરાવવામાં આવ્યું. આજે આપણે આ બંધારણ મુજબ જે તે કામો કરી શકીએ છીએ. આપણું મંડળ ૧૯૫૯ થી આજ સુધી નામ ફેરફાર સિવાય અવિરત પણે ચાલુ છે. જે ૧૯૫૯ થી તા : ૦૭/૦૬/૨૦૧૮ નાં રોજ ૫૯ વર્ષ પૂર્ણ કરશે અને ૬૦ મા વર્ષમાં પ્રવેશ કરશે. જેથી સમાજનાં સર્વ ભાઈઓનું આ તરફ ધ્યાન દોરું છું.

આપણા મંડળના બંધારણની જાણકારી અને ઈતિહાસ રજુ કર્યા. આપણા સમાજ મંડળની કાર્યવાહિથી તો સૌ જાણકાર છે  છતાં મંડળની પ્રવૃતિ વિષે ટુંકમાં જાણકારી રજુ કરીશું કેળવણી મંડળ તરીકે જ આ મંડળની શુભ શરૂઆત કરેલ. જેથી વિદ્યા અંગે જ શકય હોય એટલી આર્થિક, વિદ્યાર્થીને પ્રોત્સાહન અને વૈચારિક રીતે મદદ કરે છે. આ શુભ ભાવના અને સ્તુત્ય પગલું છે, નવા બંધારણમાં આપણે ઘણા કાર્યો કરી શકવાની સ્થિતિમાં છીએ.

આપણું મંડળ સમુહ યજ્ઞોપવીત કાર્યક્રમ ૧૯૭૦ થી આયોજન કરે છે. વચગાળાનો થોડો સમય બાદ કરતા આજ સુધી નિયમિત રીતે, મુશ્કેલીઓ અવરોધો વચ્ચે પણ આ કાર્યક્રમને ચાલુ રાખી શક્યા છીએ. મારી જાણકારી મુજબ બીજા બ્રહ્મ સમાજમાં લગભગ ૨૦૦૧ પછીથી સમુહ યજ્ઞોપવિતનું આયોજન કરવામાં આવે છે. તે પણ દર વર્ષે નિયમિત રૂપે નહી. જ્યારે આપણો સમાજ નિયમિત દર વર્ષે આયોજન કરે છે એ આપણા સમાજનાં કાર્યની વિશેષતા છે.

આપણા સમાજની વાડી માટે પ્રયત્નો થયા અને ગડખોલ પાટીયા પાસે વાડી માટે જમીન પણ ખરીદવામાં આવી. પણ પહેલા ગ્રાહે મક્ષીકા ની જેમ એમાં સરકારશ્રીની મંજુરીની મુશ્કેલીઓ, વચગાળાનાં સમયમાં આના માટે નિરુત્સાહ, ઉદાસીનતા અને વૈચારીક મતમતાંર જેવા પ્રસંગો સર્જાતા રહ્યા. જેથી આનો ઉદ્દેશ્ય સફળ ન થઈ શકયો હાલમાં જે પ્રયત્ન ચાલી રહ્યા છે તેની સફળતા માટે વિશ્ર્વ નિયતાને પ્રાર્થના.

સમુહ લગ્ન માટેના પ્રયાસ અગાઉ અને આજે પણ કરવામાં આવી રહ્યા છે. આજના સમયમાં જરૂરત કરતાં વિષેશ ખર્ચ પર વિચારણા ન કરી શકાય? ૧૯૩૩ માં વડીલોએ રચેલ નિયમો ક્રમ ૨ અને ૪ આજે પણ વિચાર માંગે એવા નથી લાગતા?

આજના સમયમાં શિક્ષણ અને વ્યવસાય માટે પ્રયાસો કરવાની અત્યંત જરૂરી છે. આપણી બચત બીજાને ઉપયોગી બને એવી માનસિક વિચારણા બને એ પણ જરૂરી છે? વિચારવું સરળ છે, અમલ અત્યંત મુશ્કેલ અને કઠણ હોય છે. નિશ્ર્ચિત આત્મબળ અને કઠોર પરીશ્રમ કાર્યને સફળ બનાવે છે.

મહિલાઓનો વિકાસ એ આજનો પ્રાણ પ્રશ્ર્ન છે એને માટે બહેનોની જાગૃતિ અને વિકાસ માટે જે પ્રયત્નો થયા તેનાં ફળરૂપે આજે મહિલા મંડળની રચના કરવામાં આવી. મહિલા મંડળ દ્રારા સંસ્કૃતિ, સામાજીક, શૈક્ષણિક કાર્યોનું આયોજન કરી ટુંક સમયમા સારા એવા વિકાસ તરફ આગળ વધવામાં સફળતા મળી રહી છે. જેની આ સ્થાનેથી અભિનંદન અને શુભેચ્છા પાઠવવામાં આવે છે. મહિલાઓને સર્વે મુશ્કેલીઓ, અવરોધો અને નિરાશા તરફ લઈ જનાર વિચારોથી મુકત થઈ સફળતા મળે એવા આશીર્વાદ પાઠવું છું.

સમાજના યુવાન મિત્રો કેટલાક સમયથી દર વર્ષે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરે છે. આ નિમિત્તે યુવામિલન કાર્યક્રમ થાય છે એ માટે યુવાભાઈઓને અભિનંદન. થોડા વાદવિવાદોના પ્રસંગો પણ બને પણ દર વર્ષે આ કાર્યક્રમ યોજાય છે, એ એક શુભ ભાવના જ પ્રકટ કરે છે. ખેલકુદ એ એક બાળ રમતની જેમ ખુબ ખેલદીલીને સાકાર કરવાનું માધ્યમ છે. અંતરની શુભેચ્છા પ્રકટ કરવાનો આ કાર્યકમ જ છે એ સદા સફળ બનતો રહે એજ શુભેચ્છા.

સમાજના વયોવૃદ્ધ એવા મહાશંકર વિશ્ર્વનાથ ભટ્ટ (રાયમા) તરફથી સૂચન આવ્યું કે, સમાજના સર્વે વૃદ્ધ દંપતિ અને વૃદ્ધ અને વૃદ્ધાઓનો સમુહમાં એક સન્માન સમારોહ કેમ ન રાખવો ? આ સૂચન મંડળની કારોબારીએ વધાવી લીધો અને તા : ૦૭/૧૧/૨૦૦૪ ના રોજ અનુભુતિ ધામ પ્રજાપતિ બ્રહ્માકુમારી કેન્દ્ર (ઝાડેશ્ર્વર) માં સમાજના ૬૦ વર્ષ થી ઉપરના દંપતિઓ અને વયોવૃદ્ધ અને વૃદ્ધાઓ ના સન્માન, સત્કાર માટે આયોજન કરવામાં આવ્યું. દરેક વયસ્થોને નાના ફ્રેમમાં સન્માનપત્ર અને શાલ ના પ્રતિક રૂપ રીબીન દ્વારા સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે ઉપસ્થિત વડીલો અને માતાઓમાં અનેરો આનંદ વ્યક્તિ થયો. પોતાના હૈયામાં રહેલ ભાવોને વ્યક્ત કરી અનેરો ઉત્સાહ વધારી પ્રસંગને દિવ્ય ભાવોથી પ્રકાશિત કર્યો. સમાજને એમના આશિર્વાદ સૌને હર્યા ભર્યા અંતરના ઊંડાણના ભાવો થી આકર્ષિત કર્યા. આ અનેરો પ્રસંગ તો આપણા સમાજે સૌ પ્રથમ ઉજવ્યો એમ કહેવું અતિશયોક્તિ ન ગણાય.

જે વ્યકિત તરફથી શુભ ભાવના અને અંતરની શુભકામના માટે જે કોઇ આયોજન કે કાર્યકમ રજુ થાય તે શકય હોઇ તો સાકાર કરવાની મહેચ્છા ધરાવવી એ સમાજની ફરજ છે. સમાજ માટે હંમેશા શુભ ભાવના પ્રકટતી રહે એવી અંતરની પરમેશ્ર્વરને પ્રાર્થના.

તા : ૧૯૬૦ ની સાલથી દર દસ વર્ષે સમાજની વસ્તી ગણત્રી કરવામાં આવે છે. સમાજમાં આ વસ્તી ગણત્રીની ને દરેકને જાણકારી મળી રહે એ માટે પુસ્તક રૂપે પ્રસિધ્ધ કરવાની માંગ થતાં ૧૯૮૦-૮૧ થી વસ્તી ગણત્રીની પુસ્તક રૂપે નિયમિત રીતે પ્રસિધ્ધ થાય છે. અત્યાર સુધી ચાર (૪) અંક પ્રસિધ્ધ થઈ ચૂકયા છે. પાંચમો (૫) અંક પ્રસિધ્ધ કરવાની કાર્યવાહી પૂર્ણ થઈ છે. જે થોડા સમયમાં સમાજનાં હાથોમાં પહોંચશે.

૧૯૫૯ થી ૨૦૧૪ સુધીના પ્રમુખો

૧. ઉત્તમરામ રતનજી પટેલ                                     અંકલેશ્ર્વર

૨. ભગુભાઈ પ્રાણજીવન પટેલ                                 રોઝાટંકારીયા

૩. સાકરલાલ મગનલાલ પટેલ                                કાનવા

૪. ઠાકોરલાલ બાલકૃષ્ણ પટેલ                                 કલમ

૫. મણીશંકર જીવણરામ ભટ્ટ                                             કલમ

૬. રમેશચંદ્ર જીવણરામ શાસ્ત્રી                                 માંગરોળ

૭. હીરાલાલ ધનેશ્ર્વર પટેલ                                                 ઉટીયાદરા

૮. ચંદ્રકાંત કાશીરામ ભટ્ટ                                      ઉતરાજ

૯. જગદીશભાઈ ઠાકોરલાલ દેસાઈ                          નવેઠા

૧૦. જનકકુમાર રમણલાલ પટેલ                              કલમ

 

૧૯૫૯ થી મંત્રીઓ

૧. જયંતિલાલ પ્રાણશંકર ભટ્ટ                                ઉતરાજ

૨. હરીલાલ કાશીરામ જોષી                                               સજોદ

૩. જશવંતલાલ હરીલાલ પટેલ                                ઉતરાજ

૪. રતીલાલ દયારામ પટેલ                                      ઉતરાજ

૫. સાકરલાલ મગનલાલ પટેલ                                કાનવા

૬.જયાનંદ ઠાકોરલાલ ભટ્ટ                                                સજોદ

૭. કનૈયાલાલ ભાઈજીભાઈ જોષી                            સજોદ

૮. ચંદ્રકાંત કાશીરામ ભટ્ટ                                      ઉતરાજ

૯. મુકુદચંદ્ર જમીયતરામ પંડયા                                 શેરા

૧૦. રજનીકાંત મણીલાલ પટેલ                               શેરા